અસ્મિતા વિશેષ સંવાદ : 22
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
વિદેશ વસતા એવા ભારતીય કે જેમને વિશ્વસ્તરે પ્રખર વિચારક અને જનમત પ્રહરી તરીકે સૌ ઓળખે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, ગુજરાતની અગ્રીમ એવી શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના યશસ્વી પૂર્વ કુલપતિ અને લંડનના ‘લોર્ડ ઓફ હાઉસ’ના મનોનિત સદસ્ય પ્રા. ડો. લોર્ડ ભીખુ પારેખ સાથે દીર્ઘ સંવાદ કરવાનો લ્હાવો મળ્યો એમના વડોદરાના નિવાસસ્થાને.. એ દીર્ઘ સંવાદમાંથી તેઓશ્રીના બચપણના સ્મરણોને આવો વાગોળીએ. એ યાદ રહે કે આ લેખ તો એક મહા આરતીની આચમની સ્વરૂપ છે, આપે એમની સાથેનો પૂરો સંવાદ માણવો રહ્યો..
પ્રશ્ન: આપના એંસી વર્ષના જીવનના સંઘર્ષ અને મહેનતની વાત ખાસ આપની પાસેથી જાણવી છે. જરા વિગતે કહેશો ??
હળવું સ્મિત વેરીને લોર્ડ બોલ્યા: કેટલો સમય આપશો, દસ વર્ષ આપશો મને ? જે મને જીવતા આટલો સમય થયો આજે એ ટૂંકમાં કહું તો, મારો જન્મ અમલસાડ ગામમાં થયેલો. નાનકડું ગામ. એક સ્કૂલ, એમાં હું ભણ્યો. ૧૫ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું. હવે શું કરવું ? મારા ફાધરને સોનીનો ઘંધો. દાગીનાઓ બનાવવા અથવા કોઈને ઘડી આપવા. એમના કુટુંબમાં કોઈ વધુ ભણેલું નહીં. મેટ્રિક સુધી ભણેલો હું પહેલો આ કુટુંબમાં. એટલે પિતાજીએ મને કહેલું કે હવે આપણે આગળ ભણવાની જરૂર નથી, તું સોનીના ધંધામાં આવી જા. મેં કહ્યું મને આ ધંધો એટલો બધો પસંદ નથી. તમને આટલી બધી મહેનત કરતા જોઉં છું ત્યારે મને થાય છે કે આ મહેનત મારે નથી કરવી… સારું.. સમજી ગયા…આગળ ચાલ્યો. કોલેજમાં ગયો. ક્યાં જવું ? બાજુમાં નવસારી છે ત્યાં જવું કે દૂર મુંબઈ છે ત્યાં જવું ? …મારો આગ્રહ હતો કે મુંબઈ જઈએ. એક પગલું લેવું જ છે તો જબરજસ્ત પગલું લેવું જોઈએ.. એટલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયો. ત્યાં મેં બી.એ. કર્યું. એ પાસ કર્યા પછી મને થયું કે હવે તો બેન્કના ક્લાર્ક જેટલી જ લાયકાત તો મેં મેળવી હશે. ત્યારે મારા પ્રોફેસર હતા એમણે કહ્યું કે, ના, પારેખ તું અહીંયા ના અટકી શકે.. એમ.એ. કર.,, તો એમ.એ. કર્યું. એ કર્યા પછી મને થયું બસ હવે માસ્તરગીરી છે, લેક્ચરર થઈશ. કોલેજમાં મારા શિક્ષક હતા ઉષાબેન મહેતા, ગાંધીજીની લડતમાં ભાગ લેતા હતા, એમણે કહ્યું કે તમે અહીંયા અટકી ના શકો. Ph D કરવું પડશે. Ph D એટલે શું એ ખ્યાલ પણ નહોતો. અને એ પણ પાછું અહીંયા નહીં, લંડનમાં .!! મેં કીધું ગામડાનો છોકરો અને લંડન ? મારા ફાધર સોનીનો ધંધો કરે, થોડા ઘણા પૈસા બચાવ્યા હશે અને મારે એને પરદેશમાં વાપરી નાખવાના ! ‘ના, તારામાં શક્તિ છે તારે જવું પડશે’, એટલે જેટલો એમને મારામાં વિશ્વાસ હતો એટલો મને મારી જાતમાં નહોતો. આગ્રહ કર્યો એમણે અને હું લંડન ગયો. અને પછી તો જીવન આખું બદલાતું ગયું. ચાર વર્ષ માટે Ph D કરવા ગયો હતો ને ત્રણ વર્ષ કર્યું એટલામાં તો મને નોકરી આપી. યુનિવર્સીટીમાં જ પહેલી નોકરી અને પછી હાવર્ડ યુનિવર્સીટીએ મને નોકરી આપી, જે યુનિવર્સીટી સારી ગણાય અને મારું જે ડિપાર્ટમેન્ટ હતું પોલિટિક્સનું એ દુનિયામાં ખાસ કરી બ્રિટનમાં સારામાં સારું ડિપાર્ટમેન્ટ ગણાતું હતું, ત્યાં મને જોબ આપી અને ત્યાં હું અત્યાર સુધી કામ કરતો રહ્યો. આમ મારું જીવન એટલે ૧૯૬૪ માં હાર્વર્ડ યુનિવર્સીટીમાં ગયો અને આજે ૨૦૨૨ માં હું ત્યાં જ છું. જો કે યુનિવર્સીટી જોડે મારા સબંધો ૨૦૦૦ની સાલ માં પુરા થયા, કારણ કે રિટાયરમેન્ટની ઉંમરે પહોંચ્યો હતો,. એ જ વર્ષમાં મને બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે ‘હાઉસ ઓફ લોર્ડ્સ’માં એપોઇન્ટ કર્યો, એટલે લંડન જવાનું થયું. હાલ બે કામ કરી રહ્યો છું. પુસ્તકો લખવા અને પાર્લામેન્ટમાં પબ્લિક લાઈફમાં જે કઈ મહત્વના પ્રશ્નો હોય એના પર બોલવું. લ્યો, આ આખી યાત્રાનો સાર. જે ૮૦ વર્ષની યાત્રા તમે કહો છો તેનું આ સ્કેલીટન સ્ટ્રક્ચર.
પ્રશ્ન: આપનું નામ ‘ભીખુ’ શા માટે રાખ્યું હશે ?
ફરી એકવાર હળવું હાસ્ય કરીને ‘ભીખુ’ નામધારી બુઝર્ગ બોલ્યા: એમાં મોટો ઇતિહાસ છે કે મારું નામ ક્યાંથી આવ્યું. મારું નામ ભીખુ. મારી આગળના જે સંતાનો હતા એ બધા ગુજરી ગયેલા. જન્મ્યા અને ત્રણ, ચાર, છ મહિના કે એક વર્ષમાં ત્રણ સંતાનો – બે છોકરા અને એક છોકરી જન્મ્યા ને ગુજરી ગયા. ત્યારે મારા પિતાજી અને માતાજીને થયું કે આવું કેમ થાય છે ? કોઈ બ્રાહ્મણને પૂછ્યું તો એણે કહ્યું કે તમે જો સંકલ્પ લો કે ભીખ ઉપર જ તમે છોકરાને જીવાડશો તો તમારા ઘરમાં જે કોઈનો શ્રાપ લાગ્યો હશે કે એવું કઈ થયું હશે એની અસર નહીં થાય. એટલે પ્રતિજ્ઞા લેવડાવી મારા ફાધર ને મધર પાસે કે આ છોકરાને ધવડાવશે વેટ નર્સ !! એટલે કે મારી મા ન ધવડાવે. આપણે જેને વેટ નર્સ કહીએ એમની કોઈ બહેન કે જ્યાં છોકરું જન્મ્યું હોય એ વેટ નર્સ મને ધવડાવે. કપડાં ભીખ માંગીને લીધેલા, એટલે સગા વ્હાલા આપી જાય. જે કંઈ મારી છ મહિના સુધીની જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો પારકા માણસો આવીને આપી જાય અને તે રીતે હું જીવ્યો. એટલે ભીખનું માગેલું મારું જીવન, એટલે નામ આપ્યું ભીખુ. મારું નામ છે એ એટલું બધું સૂચક છે કે જયારે જયારે નામ આવે ત્યારે પ્રશ્નાર્થ થાય જ.. ઇંગ્લેન્ડ ગયો ત્યારે પણ કહ્યું કે નામ બદલી નાખ અને સારું કઈ નામ રાખ.. મેં કીધું, ના આ નામ મને અતિ પ્રિય છે. આ નામથી મારા આખા જીવનનો શું પર્પઝ છે એ મને ખ્યાલ આવે છે. ભીખુ નામ છે એનો અર્થ એ થયો કે હંમેશા મને યાદ અપાવે છે કે હું મારા પેરેન્ટ્સને કેટલો બધો વ્હાલો હતો.. મારે માટે ભીખ માંગવાની તકલીફ મારા મધરે છ આઠ મહિના સુધી લીધી !! બીજું કે લોકોએ છૂટથી આપ્યું એટલે હું જીવ્યો એટલે મારું જીવન છે એ લોકોનું દાન છે, મારું નથી. અને બીજું કે હું જ્યારથી જન્મ્યો ત્યારથી એક રસ્તો ખુલ્લો થયો અને પછીના બાળકો એકે એક જીવ્યા. એટલે એ બધા બાળકોનો પણ સ્ત્રોત કે ઉદભવસ્થાન હું છું, કારણકે હું જીવ્યો તો મારાં ફેમિલી ઉપર શ્રાપ કે એવું કઈ હશે એ નીકળી ગયું અને બીજા બધા બાળકો આ રીતે મોટા થતા ગયા. એટલે મારા ઉપર વૈશ્વિક કે કૌટુંબિક બધી જવાબદારી આવીને ઉભી રહી. હું એકલો નથી, એક આખી ચેઇન છે અને એ સાંકળનો હું એક ભાગ છું. અને મહત્વનો ભાગ છું. નવું ભવિષ્ય ઉભું થયું મારા આવ્યાથી.
