અસ્મિતા વિશેષ સંવાદ :: 07

અલખ નિરંજનની આહલેક જગાડનાર કોઈ સાધક કે મુનિ આપણને  મળ્યા છે એવો અહેસાસ થયા વગર ન રહે જયારે આપણે (શ્રી ડોક્ટર) નિરંજન રાજ્યગુરુને મળીએ. એમાં પણ નિરંજનભાઈના હાથમાં એકતારો આવે અને તેઓ બુલંદીથી ભજન લલકારે ત્યારે આપણે ખુદ આંખ બંધ કરી તલ્લીન થઈ  જઈએ !! …એવા ઓલિયા ફકીર દેખાતા અને હકીકતમાં ભજન સાહિત્યના મર્મી સાધક શ્રી નિરંજન રાજ્યગુરુ સાથેના અસ્મિતા વિશેષ સંવાદના શરૂઆતના અંશો માણીશું…

“મારો જન્મ મારા મોસાળમાં, મંડલીકપુર ગામમાં કે જે  ગિરનારની ગોદમાં આવેલું, કહો ને કે  ગિરનારનો દત્ત શિખરનો પડછાયો જેના ઉપર પડે એવું મંડલીકપુર ગામ અને ત્યાં મારા નાના એટલે મારા માતાના પિતા શિક્ષક હતા.અહીં ૧૯૫૫ માં ૨૪ ડિસેમ્બરના રોજ મારો જન્મ થયો. મારું વતન ઘોઘાવદર. મારા પિતાજી ત્યાં તાલુકા શાળાના આચાર્ય. તાલુકા શાળાના આચાર્ય તો થયા પણ ઘોઘવદર ગામમાં એ નિશાળ જયારે શરૂ થઈ ત્યારે ત્યાંના વયપત્રક રજીસ્ટરમાં પહેલો ક્રમ વલ્લભભાઈ રાજ્યગુરૂનો. ભગવતસિંહજીના વખતમાં અમારી સ્કૂલ શરૂ થઈ એ સમયે બાજુનું વાછરા ગામ જે  ૩ કિલોમીટર દૂર ત્યાં નિશાળ  હતી. મારા પિતાજી પહેલું ધોરણ ભણવા ત્યાં ત્રણ કિલોમીટર દૂર ચાલીને જતા, કારણ  ત્યારે ઘોઘાવદરમાં નિશાળ નહોતી. આમ, ભાયાતના ગામમાં સ્કૂલ હતી અને ભગવતસિંહજીના પોતાના ગામમાં સ્કૂલ નહોતી એટલે એ સમયે મારા પિતાજીને  ચાલીને જવું પડતું. મારા પિતાજી  ઉંમર પોણા ત્રણ વર્ષના હતા ત્યારે માતા અને પિતા બંનેનું મરકીના  રોગમાં અવસાન થયેલું. મારા પિતાજીના મોટાભાઈ,  કર્મકાંડ અને બ્રાહ્મણનું ગામોટું કામ કરે. ત્યારે  ઘોઘાવદરની સડક બંધાતી એટલે  માથા ઉપર ટોપલા લઈ અને માટી સારીને એ મજૂરી કરે. મારા પિતાજીના મોટાભાઈએ  મારા પિતાજીને ભણાવ્યા, રાખ્યા. પોતે લોટ માંગવા જાય અને, બે બહેનો અને એક નાનો ભાઈને મારા પિતાજીએ  ઉછેરીને મોટા કર્યા. પછી વાછરાની નિશાળે ભણવા જાય. એમાં એક વખત ભગવતસિંહજી શાળામાં આવ્યા. બધાએ એમને વિનંતી કરી કે અહીંયા સ્કૂલ થાય તો વધારે સારું, એટલે બીજા જ વર્ષથી ઘોઘાવદરમાં સ્કૂલ શરૂ થઈ અને રજીસ્ટરમાં પહેલું નામ મારા પિતાજીનું ! સાતમું  ધોરણ પાસ કરીને  ભગવતસિંહજી પાસે ગયા એટલે એને તરત જ ધોરાજી પાસેના ભોળા ગામમાં શિક્ષક તરીકેની નોકરી ભગવતસિંહજીએ આપી દીધી.  

ગોંડલ સ્ટેટના ૮૨ ગામ પણ એમાં જ્યાં કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય અને ભગવતસિંહજીને ખબર હોય અને એમાંય બ્રાહ્મણનો દીકરો હોય તો ‘ભાઈ,  તારે નોકરી કરવી છે ને, મા બાપ નથી, બ્રાહ્મણિયું કામ કરે છે શિક્ષક થઈ જા, ૭ રૂપિયાનો પગાર મળશે !!.’ પછી તો એ બુનિયાદી શાળા થઈ, પછી તાલુકા શાળા થઈ તો મારા પિતાશ્રી  એના પ્રથમ આચાર્ય થયા, પછી પોસ્ટ ઓફિસ થઈ એના પ્રથમ પોસ્ટ માસ્ટર થયા, સહકારી મંડળી થઈ એના સહકારી મંત્રી થયા !!  પંચાયત ગ્રામ પંચાયત થઈ તો ગ્રામપંચાયતમાં પણ આદ્ય મંત્રી તરીકે મારા પિતાજીનું નામ. 

સાહિત્ય, સંગીત અને કલા આ ત્રણે ત્રણ ધારાઓ જ્યાં વહે તે ઘોઘાવદર ગામ એટલે આપણા મધ્યકાલીન સંતકવિ દાસીજીવણનું ગામ. અને ત્યાં મારો ઉછેર થયો. પિતાજી સાહિત્યકાર પણ હતા, સંગીતકાર  પણ હતા, કલાકાર પણ હતા, ચિત્રો પણ દોરે, તો આ બધી જ વસ્તુ ધીરે ધીરે  મારા બાળપણથી જ મારામાં  અંદર ઉતરતી આવી અને સૌથી વિશેષ વાત તો એ કે મારા પિતાશ્રી મકરંદભાઈના ગાઢ મિત્ર. ૬ કિલોમીટર ગોંડલ અને ગોંડલમાં  મકરંદભાઈ રહે. સાત ધોરણ સુધી હું ઘોઘાવદર રહ્યો અને અહીંની શાળામાંથી જ સાતમું પાસ થયો. . અમે બે ભાઈઓ, મારા મોટાભાઈ ગીરીશભાઈ રાજ્યગુરુ હતા એ હમણાં ૩ વર્ષ પહેલા અવસાન પામ્યા. એ ભુવનેશ્વરીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. મારાથી નાની બહેન છે એ ગોંડલ છે. મૂળ મોટા દેવળીયામાં એ આયુર્વેદિક ડોક્ટર છે. 

મારા માતુશ્રીનું નામ વિજયાબેન,  મોહનલાલ આત્મારામ વ્યાસ એટલે મારા નાના, જે શિક્ષક હતા મંડલીકપુર ગામે.  મારા પિતાજીએ પ્રૌઢ  શિક્ષણ કેન્દ્રો શરૂ કરેલા, અસ્પૃશ્યતા નિવારણનું કામ કરે અને ગાંધીજીની બધી  પ્રવૃતિઓ ચલાવે. તેઓ રાત્રિશાલા ચલાવે અને તેને લઈને ઘોઘાવદર આખું ગામ સાક્ષર તઃયું  !! મારા બા પણ રાત્રીશાળામાં બહેનોને શીખવાડે અને ૬૦ – ૬૦ વર્ષના અભણ ક્યાંક રહી ગયા હોય તો એ બધા રાત્રીશાળામાં ભણવા આવે. એ વખતે અમે બંને ભાઈઓ નાના,, અમારે ત્યાં સામયિકો આવતા. રમકડું, ઝગમગ, બાલમિત્ર, બાલજીવન.. આ રમકડુમાં તો  મકરંદભાઈના કાવ્યો આવતા..  ઘરમાં બે ત્રણ હજાર પુસ્તકો, મેઘાણીભાઇના બધા પુસ્તકો, એટલે હું હજુ પહેલા ધોરણમાં બેઠો નહોતો ત્યાં મને લખતા વાંચતા આવડતું હતું અને તાલુકા શાળાનો આચાર્યનો દીકરો એટલે હું કોઈ દિવસ પહેલા ધોરણમાં બેઠો જ નથી. મારા પિતાજી સાતમું ધોરણ ભણાવે એટલે હું એની ખુરશી પાસે બેસું એટલે સાતમા ધોરણના વિદ્યાર્થીઓને હું લેખન લખાવતો હોઉં !!”

(સંકલન: ભદ્રાયુ વછરાજાની)