જનકલ્યાણ : એપ્રિલ : 2024
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
“દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું, પછી રંજ કરવાની ક્યાં વાત રહી ??”
લોકસાહિત્યનું કોઈપણ સ્વરૂપ હોય લોકગીત કે લોકવાર્તા કે દુહા છંદ કે લોકઢાળની માર્મિક વાતો ગુજરાતમાંથી એક નામ જ સાંભળવા મળે અને તે પદ્મશ્રી સન્માનિત શ્રી ભીખુદાન ગઢવી.
ચારણ જ્ઞાતિમાંથી એટલે કે ગઢવી સમાજમાંથી ભીખુદાનભાઈ આવે છે એટલે એમણે તો જીન્સમાં થોડું ગાવું-બોલવું એ બધું સહજ મળેલું છે. ભીખુદાનભાઈ ખુદ જ આ અંગે વાત કરતા ઉમેરે છે કે, “ માનો કે અમે પાંચ-પચીસ માણસો જયારે ઘરનો પ્રસંગ હોય, સગાઇ હોય, કોઈ લગ્ન હોય, ક્યાંક ડાયરો બેઠો હોય એમાં કોઈ દુહા-છંદ ગાય, કોઈ ભજન ગાય, કોઈ લોકગીત ગાય, એવી અમારી પ્રાચીન એક પરંપરા ચાલી આવે છે, એમાંથી હું આવું છું. એટલે હું તો પહેલા મિત્રોની પાસે ગીત ગાતો, કોઈ દુહા ગાતો એવું મારું બાળપણ જયારે હતું ત્યારે, પછી હું સ્કૂલમાં ગયો, તો સ્કૂલમાં બાળસભા હોય તો બાળસભામાં એમ કહે કે, ભાઈ, આ ગઢવી છે, એની પાસે આપણે એકાદું ગીત ગવડાવીએ, તો હું એવી રીતે ગીત ગાતો. વાત કરવાની ત્યારે મારી એવી શૈલી નોહતી. પણ હું ગીત ગાતો, ભજન ગાતો, લોકગીત ગાતો, એવું બધું કરતો મારી શરૂઆતમાં. અને પછી ધીરે-ધીરે પાંચ-પચીસ માણસોમાંથી પચાસ માણસો થયા, અને એવું મંડ્યું લાગવા કે, ભાઈ, આ તો સારું ગાય છે, સારું બોલે છે, ધીરે-ધીરે બધા માણસોની વચ્ચે એમ થતા-થતા હું આગળ આવ્યો. જયારે હું SSC પાસ થયો પણ H.S.C નાપાસ થયો ત્યારે પછી હું અમારે રામજીભાઈ કરકર એડવોકેટ હતાં એમને ત્યાં હું કલાર્કની નોકરી કરતો અને મનોજભાઈ ખંઢેરીયા બહુ જ જાણીતા ગઝલકાર એ ત્યાં એ વકીલાત શીખતાં, એટલે અમે બન્ને સંવાદ કરતા, એ ગઝલની વાતો કરતા ને હું લોકસાહિત્યની વાતો કરતો.”
પણ આજે લોકસાહિત્યના ડાયરાઓમાં આવશ્યક ગણાતા ભીખુદાનભાઈ ક્ખારેખર ડાયરાસુધી ક્યારે પહોંચ્યા હશે ?? “ મારી વીસ વર્ષની ઉંમર થઈ ત્યારે સ્વામિનારાયણ ચોકમાં, અમારે જૂનાગઢમાં એક લોકડાયરો હતો, એમાં પ્રાણલાલભાઈ વ્યાસ હતાં, દિવાળીબેન ભીલ હતાં, અને ત્રીજો હું હતો. એટલે મને વીસ વર્ષની ઉંમરે મને સ્ટેજ મળ્યું અને મને થયું કે હું માઈકમાં બોલું છું અને પ્રોગ્રામ આપું છું… પણ એની પહેલા અમારે પ્રાણલાલભાઈ અને દિવાળીબેન ભીલ સાથે ગાયેલું ત્યારે માઈકની વ્યવસ્થા નોહતી, ગામડામાં ચોરે ગાદલા પાથરી દે અને આખું ગામ ગોઠવાઈ જાય, ભાઈઓ, બહેનો, વડીલો બધા, પ્રાણભાઈ ભજન ગાય, હું વાતો કરું અને દિવાળીબેન લોકગીત ગાય, એવી પરિસ્થિતિમાંથી ધીરે-ધીરે-ધીરે આ માઈકની વ્યવસ્થા થઈ, અને માઈકની વ્યવસ્થા પછી અમે આમ પ્રોગ્રામ દેવા જઈએ તો અમને પ્રોગ્રામમાં બોલાવે એ જ અમારો પુરસ્કાર હતો, કારણ કે અમારે તે દિ તો કોઈ પુરસ્કાર હતો જ નહિ, માણસો પાસે પૈસા હતાં નહિ કે અમને આપે, પણ અમને બોલાવે એ અમારો પુરસ્કાર અને અમને સાંભળે એ બીજો મોટો પુરસ્કાર.”
શ્રી ભીખુદાનભાઈને શાળા પ્રવેશ માટે પણ એનો કંઠ મદદે આવેલો તેની મઝાની વાત તેઓ કરે છે : 10માં ધોરણમાં મને એડમિશન મળ્યું એ પણ ગાયકીને લીધી. એલ.કે. હાઈસ્કૂલમાં હું ગયો તો મને ના પડી કે, અહીંયા જગ્યા નથી અમારે કેશોદમાં. શ્રી મહેન્દ્રભાઈ ધોળકિયા અમારા પ્રિન્સિપાલ સાહેબ. પછી મને કહે, જગ્યા તો છે નહિ એટલે અમારા ગામનાં સરપંચે કીધું કે, ‘તો પછી શું કરવું આપણે?, કોને કહેવું?’ મને કીધું કાલે પાછો આવજે એટલે હું ગયો. પછી મને પૂછ્યું કે, ‘તમે ક્યાંથી આવો છો?’, એટલે મેં કીધું, માણેકવાડાથી. ‘કેવા જ્ઞાતિએ ?’ તો મેં કહ્યું, ગઢવી, અમે ચારણ ગઢવી છીએ. એટલે તરત કહે, ‘ઓહો! તો તો તમને ગાતાં આવડે?’ મેં કહ્યું, હા સાહેબ, ગાતાં આવડે, તો કહે, ‘કાલ બાલસભા છે હાઇસ્કૂલની, તો તમે આવોને કાલે,’ એટલે હું ગયો, મેં એ વખતે ચીન-ભારત યુધ્ધનો એક છંદ હતો, એ છંદ મેં ગાયો ને તરત જ કીધું કે, ‘આમ તો જગ્યા નથી પણ તમારા માટે પરાણે કરી દેશું,’ એમ એક ધોરણ હું ત્યાં ભણ્યો કેશોદમાં.
પછી તેઓ જુનાગઢ આવ્યા અને વ્યવસાયમાં ધ્યાન દીધું, ગાવવામાં,બોલવામાં. કોઈપણ વ્યક્તિ વાર્તા કહે એટલે તેમને આખી વાર્તા યાદ રહી જાય. એક કલાકમાં ફરી એ વાર્તા તેઓ કરી દે. “તમે કર્યું હોય એ જ વાર્તા હું કરી દઉં. એટલી મારી યાદદાસ્ત હતી. ભણવામાં યાદ ના રહેતું પણ લોકસાહિત્યમાં રુચિ હતી ને એટલે મને છંદ, દુહા, બીજું-ત્રીજું બહુ યાદ રહેતું. શિક્ષણનાં બધા જ મહાનુભાવો એમ કે છે કે, જો રસ પડશે, તો શીખાશે. એ વાત બહુ સાચી છે એ વાત મારા જીવનમાં તો ચરિતાર્થ થઈ. નહી તો યાદ રહેતું હોત તો બધા વિષયો યાદ રહ્યાં હોય ને ! પણ એ યાદ ન રહ્યા. અને મને જેમાં રુચિ હતી એ યાદ રહ્યું. આપણને જેમાં રુચિ હોય ને એ ઘટના આપણમાં કોતરાઈ જાય. જો કે, હું દસ ધોરણ પછી ભણી ન શક્યો તેનો કોઈ દિવસ કોઈ જાતનો અફસોસ નહિ, કારણ કે આવડતું જ નોહ્તું પછી રંજ કરવાની ક્યાં વાત રહી ?? આવડતું હોયને આપણે ફેલ થયા હોઈએ, અથવા તો આપણને કોઈએ નાપાસ કર્યા હોય તો એનો રંજ હોય, આ તો આવડતું જ નથી એનો શું રંજ હોય.?!!
…આમ જુઓ તો જૂનાગઢ સાથેનો નાતો પાક્કો. જૂનાગઢ માં આપણી જમીન છે, ત્યાં મકાન છે. પણ હું અમદાવાદ આવતો જતો રહું છે, પણ જૂનાગઢની યાત્રા મારી ઘણી, અને એમાં અમે સંઘર્ષ બહુ કર્યો. પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, હું, લાખાભાઈ ગઢવી, અમે બધાય.. લાખાભાઈ તો બહુ શ્રીમંત કુટુંબમાંથી આવતા હતા,પણ પ્રાણલાલભાઈ, દિવાળીબેન, હું, તો બહુ સંઘર્ષ કરીને આવેલા. અમારે શું હતું કે, અમારા પ્રોગ્રામની મજા ઓર હોય, હું સમજાવું. પ્રોગ્રામ નક્કી કરવાવાળા પાંચ જણા આવ્યા હોય ને.. એ નક્કી કરી જાય અને આપણે જે ગામમાં પ્રોગ્રામ હોય ત્યાં લેવા પાછા બીજા પાંચ જણા આવે અને પ્રોગ્રામ પૂરો થાય પછી ત્રીજા પાંચ જણા હોય એટલે આપણે કોની પાસેથી જે નક્કી કર્યું હોય એ લેવું ?? આપણે કહીએ તો કહે, ‘ભાઈ અમે તો તમારી પાસે આવ્યા નોહતાં’ , ઓલો કહે, ‘અમે નોહતા આવ્યા’, એટલે પછી અમે અમારી મેળે-મેળે અમારા ઘરનાં ખર્ચે પ્રોગ્રામ આપીને ઘરે આવેલા છીએ.. પણ એમ છતાં એનો અમને આનંદ એટલા માટે હતો કે, પૈસો નથી મળ્યો પણ આપણને લોકોએ સાંભળ્યા, લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…આમ જ પાછું બીજે ગામે ય જવાનું..આવું થાય તો કોઈના કાંઠલા તો પકડાતા નથી, આ તો લોકસાહિત્યની વાતું છે, સંસ્કારની વાતું છે, તો એમાં ધીંગાણા તો થતા નથી.”
જીવનના સંઘર્ષથી જે થાકી કે હારી જતા નથી, તેઓ જ તો જીવનની સાર્થકતા પામે છે, તેનું જ્વલંત ઉદાહરણ શ્રીભીખુદાનભાઈ ગઢવી છે.