ગ્રામસેતુ: મે 2024
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
309 ભવન બાંધવાનો સંકલ્પ તેઓ લઇ ચુક્યા છે અને હજી તેઓનો જુસ્સો અપ્રતિમ છે.
આપણા ફકીર સંત શ્રી વિનોબાજીએ ભૂદાન યાત્રા માટે યાદગાર રહેશે…લગભગ લગભગ તેમ જ સુરતના એક ભગત સમ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી ભવનદાન યજ્ઞ માટે ખ્યાતનામ બની રહેશે, એ નક્કી.
આવો, આપણે શ્રી કેશુભાઈ ગોટી પાસેથી જ જાણીએ તેમની આ ભવનદાન યાત્રા વિશે….
# પહેલો વિચાર ક્યારે આવ્યો કે આપણે શિક્ષણના ભવનો બાંધવા ?
કેશુભાઈ : પહેલા તો હું રહ્યો મૂળ સ્વામિનારાયણ, પછી હું પાર્ષદ થવા ગયો ત્યારે મારા મેરેજ ની તૈયારીઓ ચાલતી હતી, મેરેજ ને બે-ત્રણ વરસ ની વાર હતી ત્યારે હું બે-ત્રણ હીરાની ઘંટી ચલાવતો. મેરેજ ને બે મહિનાની વાર હતી અને મને વૈરાગ આવ્યો. આમ તો વૈરાગ્ય મનમાં ઘૂસ્યો હતો લાંબા ટાઈમથી જ.
એક વડતાલવાળા સ્વામી હતા એમની સાથે બધો પત્ર-વ્યવહાર ચાલતો હતો.બધું નક્કી કર્યું. એટલે હું સવારે કારખાનું ચાલુ કરાવી સૂરતથી ભરુચ ની બસ પકડી, ભરુચથી એક ભક્તાણી નામની ગાડી વડતાલ જતી હતી, તે પકડી ને હું વડતાલ ગયો. ત્યાં ગયો પછી અઠવાડિયા પછી મને એવું થયું કે અહીંયા હું નહીં રહી શકું. પછી મને થયું કે આવી રીતે ગયા હોઈએ એટલે અહમ પણ હોય અને સ્વમાન પણ હોય એટલે કીધું હવે જીવન પસાર કરી નાખીએ. હું મારા અંતઃશત્રુ ની પીડા સહન ના કરી શકયો. ખાસ કરીને તો કામવાસનાની, એટલે હું બે વર્ષે પાછો આવ્યો.
પાછા આવ્યા પછી સર્વોદય વિચારના મારા ગામના મોહનભાઈ વાણીયાની સાથે મારી મિત્રતા થઈ. કારણ કે મને કોઈ બુદ્ધિશાળી કે વિચારશીલ માણસ સાથે બેસવાની પહેલેથી નાનપણથી આદત હતી. તો એની સાથે રાત્રે ૧૨-૧૨ વાગ્યા સુધી વિનોબાભાવે ની વાતુ સાંભળતો. મેગેઝિન “ભુમિપુત્ર”ના વધીને છ થી દશ અંક વાંચ્યા હશે.બીજું કાંઈ મેં વિનોબા ભાવેનું વિશેષ કોઈ સાહિત્ય વાંચ્યુ નથી. ખાસ મોહનભાઈ પાસેથી વાતો સાંભળેલી. આ વાત છે ૧૯૮૨ ની.
હવે ૧૯૮૨ ની સાલ માં દિવાળીએ સુરત થી સૌરાષ્ટ્રમાં બહુ બધાં લોકો આવતા હોય એટલે સરકારી બસ માં જગ્યા ના મળતી એટલે બધા ગામ-ગામની પોતાની બસ ભાડે બાંધતા. એમાં અમારી બસ ભાડે બાંધી હતી , સરકારી બસ પણ સ્પેશિયલ અમારા ગામની જ, એને અકસ્માત થયો, અકસ્માત થયો એમાં બે-ત્રણ છોકરાં ને વાગ્યું, એમાં બે ને સામાન્ય હતું. પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમાં હું, મોહનભાઈ વાણીયા અને એક બાબુ રાબડીયા, ત્રણ જણા રોકાણા હતા. એમાં બે ને જે પાટાપિંડી સામાન્ય હતી એ કરાવીને મોહનભાઈ વાણીયા બે છોકરા ને લઈને ગયા.અને એક ને એડમિટ કર્યા “ચરોતરી આરોગ્ય મંડળ હોસ્પિટલ” માં… અને પ્રેમજી રાબડીયા નામનો છોકરો હતો એને વધુ વાગ્યું હતું, પણ મારા તાજેતાજા જ વિનોબા ભાવેના વિચારો મારા મગજ ઉપર અસર કરી ગયેલા હતા, તે સેવામાં હું એટલે રોકાયો હતો. પછી એ પ્રેમજી રાબડીયાને ટાંકા લીધાં અને ત્રણ દિવસ રાખ્યો ને પછી રજા આપી. મારી સાથે બાબુ રાબડીયા હતો, એ શરીરમાં થોડો હલકો હતો ને એ તેડે તો ઓલા છોકરાને દુઃખે, એટલે ઑલો પ્રેમજી મને એમ કહે કે, કેશુભાઈ, તમે તેડો એટલે ખંભે બેસાડીને છેક સુધી ચડાવવા-ઉતારવા બધું મેં કર્યું તો મને આનંદ બહુ આવ્યો.. જ્યારે હું પાર્ષદ હતો ને મંદિરે જતો કે પાર્ષદ હતો ત્યારે રોજ સાંજે સૂતાં પહેલાં ઘનશ્યામ મહારાજની પચાસ માળા ફેરવતો, તો મારું મન મને પરાણે જોડી રાખતું, મને કંઈ સુખ મળતું નહીં અને મારા મન સાથે માથાકૂટ જ કરવાની રહેતી. કંટાળો આવે ત્યારે પચાસ પુરી થાય…!! પણ આ છોકરાની સેવામાં મને મજા બહુ આવી. એટલે ત્યાંથી પછી વિચારમાં પરિવર્તન આવ્યું.
# આપનો પહેલેથી સ્વભાવ આવું વિચારતા રહેવાનો ખરો કે ??
કેશુભાઈ: આમ હું સ્વભાવે તાર્કિક માણસ છું. કોઈ કહે ને માની લીધું એવો મારો સ્વભાવ નથી. કોઈનો અનાદર કરવાનો નહીં પણ ઊંડું જાણવાનો સ્વભાવ છે. એટલે જ મારા બહુ બધા માર્ગદર્શક છે, બહુ બધા પ્રેરક છે અને બહુ બધા ગુરુઓ છે. તો એ યાત્રા આગળ વધતા-વધતા એક બાજુ બીઝનેસ, એક બાજુ આ યાત્રા, થોડું વાંચન સાઇડમાં ચાલુ હતું, થોડી ચર્ચાઓ જ્ઞાની માણસો સાથે ચાલુ હતી, એમ કરતાં કરતાં થોડા આપણે વધારે સક્ષમ થયા એટલે આદિવાસી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું, કારણ કે વિનોબા ભાવેના હિસાબે પેલો છેવાડાના માણસનો વિચાર તો ઘર કરી જ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં જવાનું ચાલુ કર્યું એટલે ત્યાંની અસુવિધા, ત્યાંની ગરીબાઈ બહુ બધું અસર કરી ગયું.
એમાં એક કમળાપુર ગામ છે ત્યાં ગયા ત્યાં વસોકાકા કરીને સરપંચ ગામ ચલાવતા હતા. ત્યાં જઈને બાળક જેવો થઈ ને મારી કાલીઘેલી ભાષા ને મારી જે કાંઈ આવડત હોય એ પ્રમાણે બાળકોને ઉત્સાહ માં લાવવાનું કામ કરતો. અને કપડાં આપ્યા ને નાસ્તા-પાણી કરાવીને ત્યાંથી આવતા રહ્યા. એમાં ઘણી ઘટના ઘટી, એમાંની એક ઘટના તમને કહું. એ કમળાપુરમાં અમે લોકો બેઠા હતા ને સામે બાળકો બેઠા હતા. એમાં એક દીકરી ને મેં ઉભી કરી, ઉભી થઇ ને એ રડવા માંડી, એટલે મેં બાજુમાં બેઠેલા ટીચર ને પૂછ્યું કે આ રડે છે કેમ ? તો ટીચર એ કહ્યું કે એના મા-બાપ કોઈ નથી ને પહેર્યે એક જોડી કપડાં જ છે, એનો ભાઈ પણ અહીંયા છે ને કોઈ એમનું છે નહીં!!!. આવી ઘટનાઓ તો ઘણી ઘટી પણ આ ઘટના મારા હૃદયમાં ઊંડી અસર છોડી ગઈ, કેમ કે મેં મારા બાળપણમાં એટલી ગરીબી જોઈ છે. કોઈ દિવસ નવા કપડાં નોહતા પહેર્યા કે દિવાળીમાં કોઈ દિવસ નવા ફટાકડા નોહતા ભાળ્યા, કોઈ દિવસ પેટ ભરીને કે મિષ્ટાન નોહતું ભાળ્યું. બહુ ગરીબાઈ જોયેલી એટલે અપમાન પણ એ ઉંમરમાં બહુ સહન કર્યા હતા મેં, આ બધું તાજું થયું ત્યાં.
અને પછી બે’ક ગાઉ દૂર ગયા ત્યાં ધોરણ ૯ થી ૧૨ ચાલતું હતું, જે ઝીણાભાઈ દરજીએ સ્થાપેલી સંસ્થા.. અને ત્યાંથી ડિમાન્ડ આવી કે કન્યા છાત્રાલય બનાવી દયો તો સારું. તો મેં ઘનશ્યામ ભોજાણીને વાત કરી કે તું પાર્ટનર થા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં કેશુભાઈ, એટલે છાત્રાલય બનાવવાનું નક્કી કર્યું. એ માટે અમારા એક કર્મયોગી મિત્ર એક કોન્ટ્રાકટરને લઇને આવ્યા ઓફિસે. એને પૂછ્યું તો કોન્ટ્રાક્ટર કહે, આમાં મારો ૨૦% નફો હોય છે, એ ૨૦% કહે એટલે અમારી વેપારી ભાષા માં ૩૦% તો સામાન્ય હોય. મેં એવું વિચાર્યું કે, આ કામમાં નફાવાળું ના ચાલે. મારું મિત્ર વર્તુળ સારું ને જોડે કામ કરે તેવા. એટલે કર્મયોગી પંદર કપલને મેં ઘરે જમવા બોલાવ્યાં. અને વિચાર સમજાવ્યો. આપણને આ કઈ રીતે સસ્તું પડે ? આપણે કોના માટે આ મટિરિયલ લઈએ છીએ, એ જો આપણે વેપારીને સમજાવવામાં સફળ રહીએ તો નફો તો આમ નીકળી જશે. પણ જો આપણે કરુણાથી વાત સમજાવીશું અને ભાવિ પેઢી માટે શિક્ષણ ભવન બાંધવું છે તે ગળે ઉતરાવી શકીશું તો એ ૧૦ ટકા માઇનસમાં કામ કરશે. હવે એમાં અમે લેબર કોન્ટ્રાકટરથી માંડી ને બધા મટીરીયલમાં સફળ ગયાં. તો અમારું જે ભવન બન્યું એ બન્યું ઘણું સસ્તું અને જે જોવે એને એમ થાય આટલા રૂપિયા માં આવડું ભવન ?
# ..એટલે એનો અર્થ એવો થયો ને કે, આપે યજ્ઞની જેમ જ આ કામ ઉપાડ્યું ?
કેશુભાઈ : ના, એની મને કાશી જ ખબર નથી પણ જુસ્સો બરાબર ચડ્યો હતો કે દૂર દરાજના બાળકોને શિક્ષણથી વંચિત નથી રાખવા. હવે લોકાર્પણનું કોઈ આગવું આયોજન ન હતું. હું પ્રવચન કરવા ઉભો થયો. સ્વાભાવિક રીતે જુ હું નામ આપવાથી થાકેલો માણસ હતો, એનું કારણ એ હતું કે મારા ગ્રાન્ડ-ફાધરે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં હડિયાદમાં ત્રણ વડીલોએ થઈને મંદિર બનાવ્યું હતું, એમાં ત્રીજા વડીલ મારા ગ્રાન્ડ-ફાધર. અને હું નાનો હતો ત્યારે અમારા જેના-જેના નામ હતા એની જેના નોહતા એને ઈર્ષા થતી અને હતાં એને અહમ થતો.આ મારી નાની ઉમરમાં આ બધી ચર્ચાઓ મેં વારંવાર-વારંવાર સાંભળેલી, એમાં જેઓના નામ હતા તેઓને અહમ હતા મારા પરિવાર સહિત, અને જેઓના નોહતા તેઓને ઈર્ષા હતી. બીજું, સામાજીક કામમાં મને મારો આત્મા કોરી ખાતો હતો કે વેપાર તો ગણિત થી કરીએ પણ દાન પણ ગણિત થી જ કરવાનું ??! આપણો લાભ હોય એની પાછળ જ કરવાનું ?! એટલે મારો આત્મા કોરી ખાતો હતો. એમાં આત્મા માંથી સુર નીકળ્યો કે આપણે ૧૧ ભવન બનાવીશું. પચાસ ટકા આર્થિક યોગદાન અમે આપીશું અને પચાસ ટકામાં સહયોગી દાતાઓ જે જોડાય તે. ક્યાંય પણ ભવન ઉપર સિમેન્ટથી મોટું નામ લખાય એ પણ એમનું, દાતા પરિવારની તકતી એમની, લોકાર્પણકર્તાની તકતી એમની, અમે ક્યાંય નામ નહીં રાખીએ. કેમ કે હું થાકેલો હતો. મારો આત્મા મને પીડતો હતો. એ તે દિવસે એને વાચા આપી એટલે ત્યાં ને ત્યાં ચાર પાર્ટનર મળી ગયા. ચોથા નું લોકાર્પણ હતું, જુગતરામ કાકા ના કોઈ મિત્ર બ્રાહ્મણ જ હતા એમની દીકરીઓ સંભાળે છે. તો ત્યાં અગિયાર ભવન માટેના દાન જાહેર થઇ ગયા, ચાલુ ફંક્શને !! એટલે મેં બે-પાંચ મિનિટ વિચાર્યું ને છેલ્લે પૂછ્યું કે મારો અંદર નો અવાજ શું છે ? તો અંદરનો અવાજ પોઝિટીવ હતો કે આમાં આગળ વધવું જોઈએ, એટલે જીતુ મકવાણા અમારા સુરતનો એન્કર હતો એટલે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને એને કહી આવ્યો કે આપણી કોઈ બાઉન્ડરી નથી. જો આપણને વધુ દાતાઓ મળશે તો આપણે વધુ ભવન બનાવીશું. એટલે પછી પચીસ નો સંકલ્પ કર્યો. એમાં પચીસ દાતા થઈ ગયેલા.
એમાં ગોકુલ આઠમ આવી, તો ગોવિંદ કાકા ધોળકિયાનો આઠમના દિવસે ફોન આવેલો. ‘કેશુભાઈ , કાલે મળવા આવોને થોડું કામ છે’, તો હું તેમને મળવા ગયો બીજા દિવસે. એટલે મેં એમની સલાહ લીધી અને કીધું કે કાકા આવું છે. દાતા તો મળી જાય એવું છે. તો એણે મને પ્રોત્સાહિત કર્યો કે, કેશુભાઈ આપણા જ પૈસા, કોઈ મિડલ મેન નહીં, કોઈ વહિવટી ચાર્જ નહીં, સીધા જ ગરીબોના કામ માટે વપરાતા હોય ને તમે એક રૂપિયો વાપરો તો સામે વાળો એક વાપરવાનો અને તમે નહીં વાપરો તો સામે વાળો વાપરવાનો જ નથી. એટલે મેં એકાવન નો સંકલ્પ કર્યો. હવે એકાવન નો સંકલ્પ કર્યો એમાં એક પ્રદિપસિંહજી છે. ચાર્ટર્ડ- એકાઉન્ટન્ટ છે, એમની મુંબઇ, સુરત ઓફિસ છે. પચાસ ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ એમને ત્યાં સર્વિસ કરે છે. અને મારા મિત્ર હતા તો એમને મેં આમંત્રણ આપ્યું. એક ભવનમાં તો તરત ભાગીદાર થઈ ગયા અને આવ્યા લોકાર્પણમાં… લોકાર્પણમાંથી આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન આવ્યો, “આપ ચાઇ પીને કે લિયે ઓફિસ આઈએ”. હું ગયો તો એમણે કહ્યું: “મને આ તમારું કામ બહુ ગમ્યું , આનાથી સારું કોઈ કામ ન હોય” એટલે મારી તમને એક રિકવેસ્ટ છે બે હાથ જોડીને, તમે ૧૦૮ નો પ્રણ લ્યો. અને અત્યારે જ કોઈ ને કહી દો કે, મેં ૧૦૮નો સંકલ્પ લીધો છે. અને યદિ “આપકો પાર્ટનર ના મિલે તો પ્રદીપ સિંહ બેઠા હૈ.”
એ વાત પછી તો અમે અમારું મોડલ સુધાર્યું અને ભાવ પણ વધી ગયા હતા, પણ એમણે વાત કરી પછી મારે ૫૭ વધારવાના હોય તો મારા ભાગમાં નવ કરોડ રૂપિયા આવતા હતા. એટલે એ વિચાર્યું. ઈશ્વર અને તમારા બધાનાં માર્ગદર્શન અને સલાહથી જે કંઈ શીખ્યો છું કે, સલાહ દેવાવાળા ય ભાવમાં નથી, લાગણીમાં નથી, ક્યાંય કોઈ વડામાં બંધાયેલો નથી એ બધું પાંચ મિનિટ માં મેં એમને માપ્યા. પછી મેં અંદરવાળા ને પૂછ્યું, તો અંદરથી એક અવાજ આવ્યો કે તને સલાહ દેનારમાં માં ઈશ્વર આવીને બોલે છે. એટલે મેં તરત જ મથુરભાઈ ને ફોન કર્યો કે આપણે આજથી ૧૦૮નો સંકલ્પ લઈએ છીએ. પછી તો ૧૦૮ સહયોગી દાતાઓ ક્રોસ કરી ગયા, એટલે ૧૫૧ ભવનનો સંકલ્પ કર્યો.
હવે ૮૨-૮૩મું લોકાર્પણ હતું, ત્યાં ૧૫૩ દાતાઓ થઈ ગયા. તેથી ૧૭૫ નો સંકલ્પ કર્યો. પછીનાં ભવન માં પાર્ટનર હતા અનુભાઈ તેજાણી. ચોમાસું હતું ને એના બે ય લોકાર્પણ એક જ દિવસે હતાં. તો સવારે કશું ના બોલ્યા પણ બપોર પછી સ્ટેજ ઉપર અમે બન્ને બાજુમાં બેઠા હતા તો મને કહે કેશુભાઈ ૧૭૫નો આંકડો શું લેવો ? મારી બીજી પાંચ લખો. એટલે મેં ૨૦૮નો સંકલ્પ કર્યો, ત્યારે તો ૨૦૮ પાર્ટનર નોહતા પણ ૨૦૮નો આંકડો પર કરી નાખ્યો. એમાં ગયા ઉનાળે હું અમેરિકા ગયો. “વિવેકાનંદ નેત્ર-મંદિર” માં ભાવિન પટેલ છે. એમણે મને ચાર પુસ્તકો “સ્વામી વિવેકાનંદના” આપ્યા. હું સાથે બેગમાં લઇ ગયો. હવે લાલજીભાઈના ઘરે ન્યુયોર્ક રોકાણા હતાં, ત્યાં બધા રોજ શોપીંગ માં જાય ને મને શોપીંગનો ટકોય શોખ નથી. એટલે મેં બેસીને એ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકો વાંચ્યા અને “સ્વામી વિવેકાનંદ” ના જે હું તમને અત્યારે વાત કરું ને , એનાં જે દર્દો ભારતની ગરીબી, ભારતની પરાધીનતા , એની માનસિક , આર્થિક ને શારીરિક બધી રીતની કંગાલીયત વાંચીને એટલે હું દ્રવી ગયો. મારુ હૈયું વલોવાઈ ગયું ને મેં ત્યાં ન્યુયોર્ક બેઠા-બેઠા જ ૩૦૯ નોં સંકલ્પ કર્યો. બોલો લ્યો, આ મારી કહાની છે, ભદ્રાયુભાઈ…
*************************************
કેશુભાઈ નવા યુગના વિનોબાજી હોય તેવું લાગે છે ને ?? તેમની સાથેની ગોષ્ઠી તો ઘણી લાંબી છે પણ આપ સૌની જાણ માટે કે 309 માંથી 181 શિક્ષકન ભાવનોના લોકાર્પણ થઇ ચુક્યા છે. અરે, 309 માંથી 267 ભવન માટેના દાતાઓ પણ નક્કી થઇ ચુક્યા છે. અને હા, હવે કેશુભાઈની આ શિક્ષણ ભવન અર્પણની યાત્રા કેવળ ગુજરાત સુધી સીમિત નથી રહી, પરંતુ ભારતના પંદર રાજ્યો સુધી વિસ્તરી ચુકી છે. તેઓએ જબરી ટિમ બનાવી છે અને મોંઢામાં આંગળા નાખી જઈએ એવું સઘન આયોજનનું નેટવર્ક ગોઠવી લીધું છે.
શ્રી કેશુભાઈ ગોટી કેવળ એક નહીં એમનું આખું કુટુંબ, મિત્રો, સંબંધીઓ એમને વ્હાલથી ‘કેશુ ભગત’ કહે છે, કારણ તેઓ ખરા અર્થમાં શિક્ષણ અને માનવની ભક્તિમાં લિન બની ગયા છે એટલે હોંશભેર અને જોશભેર એક મોજીલો કાફલો સાથે લઈને સાચા અર્થમાં શિક્ષણની યાત્રા કરી રહ્યા છે. કદાચ આ લેખ આપ વાંચશો ત્યાં સુધીમાં કેશુભાઈનો સંકલ્પ આગળને આગળ વધી ચુક્યો હશે.