વિજ્ઞાન શિક્ષણ રેડીયો દ્વારા
રેડિયો તકનીકી અગ્રીમતા નું પરિણામ છે તો વિજ્ઞાન તકનીકી ક્ષેત્ર નું મૂળ છે આપણે રેડિયો દ્વારા વિજ્ઞાન શિક્ષણ આપીને કારણ અને પરિણામનો સમન્વય કરીએ છીએ આ બંનેના સંક્રમણ સમયે કેટલીક બાબતો થી સજાગ બનાવવાની આવશ્યકતા રહેલી છે જેની અહીં ટૂંકમાં ચર્ચા કરેલ છે.
વિજ્ઞાન પ્રયોગશીલ વિષય છે. અન્ય અભ્યાસ વિષય કરતા તે અલગ તત્વ રૂપ ધરાવે છે વિષય તરીકે વિજ્ઞાન ની બાંધણી અન્ય વિષયો કરતાં ઘણી રીતે અલગ છે તેથી જ વિજ્ઞાનના રેડીયો પાઠ તૈયાર કરવા એ અતિ સરળ ઉપક્રમ નથી. માત્ર વાર્તાલાપ કે વક્તવ્ય માટે ની સ્ક્રિપ્ટ કે ગુજરાતી-હિન્દી-ભૂગોળ જેવા વિષયોની સ્ક્રિપ્ટ કરતાં વિજ્ઞાન પાઠ લેખન વિશિષ્ટ કૌશલ્ય માંગી લે છે.
વિજ્ઞાન શિક્ષણના પાયારૂપ તત્વો-પ્રયોગો અવલોકનો નિષ્કર્ષ, સિદ્ધાંતોની સાબિતી, કેટલીક ગાણિતિક સંકલ્પનાઓ ને રેડિયો દ્વારા રજુ કરવા મહદંશે અશક્ય છે. જ્યાં ‘ચોક’ ની જરૂર પડે ત્યાં ‘ટોક’થી નહીં ચાલે આથી –
• એવા વિજ્ઞાન વિષયવસ્તુને જ રેડિયો-પાઠના વિષય તરીકે પસંદ કરવું કે જેના ઉપર જણાવ્યા તે તો હાજર ન હોય.
• પસંદ કરેલા વિષયવસ્તુની રજૂઆતમાં સખત કાળજી લેવી
• વિજ્ઞાન પાઠ માં ભાષાની ઝાકઝમાળને સ્થાને વિષયવસ્તુની નકર રજૂઆતને સ્થાન આપવું.
• યોગ્ય વિષયવસ્તુ માટે અતિ યોગ્ય સ્વરૂપ પસંદ કરવું.
• જટિલ સંકલ્પનાઓ ના એક એક મુદ્દાને વિશ્લેષિત કરી પ્રશ્નોત્તરી કે વિશદ ચર્ચા દ્વારા રજુ કરવી.
• શિક્ષકને રેડીયો પાઠમાં અન્ય પાત્ર રૂપે રજૂ કરીને વાત મૂકવાથી વધુ સુદ્રઢતા આવી શકે તેવા પ્રયત્નો કરવા.
• એક કાળજી ખાસ રાખવી કે-
વિષયવસ્તુની રજુઆત સારી બનાવવા રખેને કૃત્રિમતા આવી જાય! આ બાબતથી અવશ્ય દૂર રહેવું.
• સ્ક્રિપ્ટમાં શક્ય તેટલી જીવંતતા લાવવા મધ્ય ઉદાહરણ તરીકે,
1) કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કે અન્ય કોઈ વાયુઓની પ્રયોગશાળામાં બનાવટના વિષયવસ્તુને રેડીયો પાઠ દ્વારા રજૂ ન કરીએ તે શ્રેષ્ઠ.
2) રસાયણશાસ્ત્રના પ્રયોગોને સ્થાને, વાયુઓ ના ઉપયોગો કે બનાવટમાં રાખવાની સાવચેતી કે પ્રયોગશાળાની શિસ્ત વગેરે મુદ્દાઓને રેડીયો પાઠ અર્થે પસંદ કરી શકાય.
3) ભૌતિક વિજ્ઞાન કે જીવવિજ્ઞાન કે પર્યાવરણના કેટલાક વિષયાંગોને રેડિયો-પાઠ દ્વારા રજૂ કરી શકાય..
તેમાં પણ-ન્યુટનના ગતિ ના નિયમો વર્ણવી જવાને બદલે રોજિંદા જીવનની વિવિધ ઉદાહરણો દ્વારા નિયમો ની રજૂઆત રસપ્રદ અને વધુ ગ્રાહ્ય બને.
રેડિયો દ્વારા વિજ્ઞાન શિક્ષણનો પાયાનો ઉદ્દેશ્ય વિજ્ઞાન શીખવાનો ન રાખતા વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવો રાખવો અતિ ઉચિત છે…